જંબુસરના દરિયામાં બોટ પલટી, LIVE VIDEO:ભરતીનું પાણી વધી જતા 5 સેકન્ડમાં જ બોટ ઊંધી વળી ગઈ, 23 કામદારોને બચાવાયા, બોટ માલિકનું મોત
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. જેના લાઈવ દ્દશ્યો સામે આવ્યાં છે. આ દુર્ઘટનામાં બોટ માલિકનું મોત થયું છે, જ્યારે એક કામદાર લાપતા છે. તેમજ 23 કામદારોને બચાવી લેવામાં આવ્યાં છે. ભરતીનું પાણી વધી જતા 5 સેકન્ડમાં જ બોટ ઊંધી વળી ગઈ હતી. બોટ પલટી જતાં માલિક વચ્ચે દબાઈ ગયો
આ અંગે મળતી માહિતી મુજબ જંબુસરના આસરસા ગામે 25 જેટલા શ્રમિકો અને સ્થાનિકો ભરેલી બોટ ભરતીના પાણીના લીધે પલટી ગઈ હતી. જેથી બોટના માલિકનું મોત થયું છે, જયારે એક શ્રમિક લાપતા બન્યો છે. શ્રમિકો બોટમાં બેસી રહ્યાં હતાં તે સમયે અચાનક ભરતીનું પાણી આવી જતાં બોટ એક તરફ નમી ગયા બાદ પલટી મારી ગઇ હતી. બોટનો માલિક વચ્ચે દબાઈ જતાં તેનું મોત થયું છે. બોટમાં સવાર અન્ય શ્રમિકો કિનારા પર આવી જતાં તેમનો બચાવ થયો છે જયારે એક શ્રમિક ખાડીના પાણીમાં લાપત્તા બની ગયો છે.
કંપનીએ આસરસા ગામની 19 બોટ ભાડેથી લીધી છે
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કંપની ( ONGC) જંબુસર તાલુકામાંથી પસાર થતાં અરબી સમુદ્રમાંથી ખનીજતેલ અને કુદરતી ગેસનું સંશોધન કરવાના પ્રોજેકટ પર કામ કરી રહી છે. આ પ્રોજેકટ અંતર્ગત દરિયામાં સર્વે કરવાની કામગીરી માટે એશિયન એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. એશિયન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ આસરસા ગામની 19 બોટ ભાડેથી લીધી છે.
બોટ ખાડીના કિનારે ઉભી હતી અને તે સમયે અચાનક દરિયામાં ભરતી આવી
શનિવારના રોજ આસરસા ગામના એક નાવિકની બોટમાં શ્રમિકોને કેવી રીતે કામગીરી કરવી તે શીખવાડવાની કામગીરી શરૂ કરાઈ હતી. બોટના માલિકે બોટને ખાડીના કિનારે ઉભી રાખી હતી અને તે સમયે અચાનક દરિયામાં ભરતી આવી જતાં પાણીના જોરદાર પ્રવાહમાં એક તરફ બોટ નમી ગઇ હતી. બોટ નમી ત્યારે તેમાં 25 જેટલા શ્રમજીવીઓ અને સ્થાનિકો સવાર હતા. બોટ નમી ગયાં બાદ પલટી મારી ગઇ હતી. જેમાં બોટના માલિક રોહિતભાઇ બોટની નીચે ફસાઇ જવાથી મોતને ભેટ્યાં હતાં. એક શ્રમજીવી લાપત્તા બન્યો છે. જયારે 23 લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે. બચી ગયેલાં તમામ લોકોને સારવાર માટે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. આસરસા ગામ જંબુસરથી 35 કિમીના અંતરે આવેલું છે અને ત્યાંથી એક ખાડી પસાર થાય છે જે અરબી સમુદ્રને મળે છે. પાણીના જોરદાર પ્રવાહના કારણે બોટ કિનારા પર જ પલટી મારી ગઈ
આસરસા ગામે ઘટના બની ત્યારે બોટ ખાડીના કિનારે ઉભી હતી. શ્રમિકો લાઈફ જેકેટ પહેરીને બોટમાં સવાર થઈ રહ્યા હતાં. શ્રમિકો એક તરફ ભેગા થઇ ગયા હતાં તે સમયે જ અચાનક ભરતી આવી હતી અને પાણીના જોરદાર પ્રવાહના કારણે બોટ કિનારા પર જ પલટી મારી ગઇ હતી. કિનારા પર બોટ હોવાથી મોટી દુઘર્ટના થતી અટકી હતી પણ એક કામદારે લાઈફ જેકેટ પહેર્યું નહીં હોવાથી તે ખાડીના પાણીમાં ખેંચાઇ ગયો હતો. બોટ નિકળવાની તૈયારીમાં હતી ત્યારે જ અચાનક પલટી ગઈ
આ અંગે બોટમાં સવાર ગોપાલ દાસ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, બોટ નિકળવાની તૈયારીમાં હતી. ત્યાર બોટ અચાનક હલવા લાગી હતી. લંગર લેવાની તૈયારી હતી તે દરમિયાન જ અચાનક બોટ પલટી ગઈ હતી. બોટમાં 10 થી 15 લોકો સવાર હતા. બધાને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, મને વધારે કઈ ખબર નથી. બોટમાં ગુજરાતી, આસામ અને બંગાળના લોકો સવાર હતા. પાણીની ભરતી આવી એટલે 50થી 60 લોકો બોટમાં ચઢી ગયાંઃ મૃતકનો પુત્ર
આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકના પુત્ર પ્રતીકે જણાવ્યું હતું કે, પાણીની ભરતી આવી એટલે 50થી 60 લોકો બોટમાં ચઢી ગયાં હતા, જેથી બોટ પલટી જ ગઈ હતી. જેમાં મારા પિતાનું મોત થઈ ગયું છે. હજી તો બે દિવસથી જ કામ શરૂ થયું છે. કોઈએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા. બીજા એક અમારા ગામના નરેશ રાઠોડ પણ મળી રહ્યા નથી. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય ડી.કે. સ્વામી હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે બચાવ કામગીરી અને આગળની કાર્યવાહી અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0