અમદાવાદનું નવુ ‘સરદાર’ગ્રામ રેલવે સ્ટેશન બન્યું દારૂડિયાનો અડ્ડો:પરિસરમાં દારૂ-બિયરની અનેક બોટલો જોવા મળી; સ્થાનિકે કહ્યું-100 મીટર દૂર જ વેચાણ, રાત્રે મહેફિલ થાય છે

Dec 7, 2025 - 10:53
 0  0
અમદાવાદનું નવુ ‘સરદાર’ગ્રામ રેલવે સ્ટેશન બન્યું દારૂડિયાનો અડ્ડો:પરિસરમાં દારૂ-બિયરની અનેક બોટલો જોવા મળી; સ્થાનિકે કહ્યું-100 મીટર દૂર જ વેચાણ, રાત્રે મહેફિલ થાય છે
ગાંધીના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના વેચાણને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા સરકાર અને પોલીસને દરેક કાર્યક્રમમાં ઘેરવામાં છે. ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડા ચાલતા હોવાને લઈને નાગરિકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલું સરદારગ્રામ રેલવે સ્ટેશન દારૂડિયાઓનો અડ્ડો બની ગયું છે. નવા બનેલા રેલવે સ્ટેશન પરિસરમાં દારૂ અને બિયરની ખાલી બોટલો પડેલી જોવા મળી છે. સરદારગ્રામ રેલવે સ્ટેશનથી 100 મીટર દૂર જ સરદારનગરનું છારાનગર આવેલું, જ્યાં બેફામ દારૂ અને બિયરનું વેચાણ થતું હોવાનું સ્થાનિકોનું કહેવું છે અને ત્યાંથી લોકો રેલવે સ્ટેશનમાં આવીને દારૂની મહેફીલ માણતા હોવાનું જાણવા મળ્યું છે. રેલવે પરિચરની તપાસ કરતા દારૂ-બીયરની બોટલો જોવા મળી દિવ્ય ભાસ્કર દ્વારા સરદારગ્રામ રેલવે સ્ટેશનનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ નવા નકોર રેલવે સ્ટેશનના પરિસરમાં વેઇટિંગ રૂમની આગળના ભાગે વિશાળ ખુલ્લી જગ્યા આવેલી છે. વેઇટિંગ રૂમની આગળના ભાગે જ આ જગ્યામાં રાત્રે કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા હોય તેમ દારૂની અને બિયરની ખાલી બોટલો જોવા મળી હતી. નવા બનેલા રેલવે સ્ટેશનમાં જવાનો રસ્તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુબેરનગર વોર્ડ ઓફિસની સામેના ભાગે આવેલો છે. રેલવે સ્ટેશનના ભાગમાં જવા માટે કોઈ ગેટ રાખવામાં આવ્યો નથી. સરદારગ્રામ રેલવે સ્ટેશન ધૂળ ખાધેલી પરિસ્થિતિમાં રેલવે સ્ટેશનના પરિસરમાં અંદર જતાની સાથે જ ડાબી અને જમણી તરફ ખુલ્લી જગ્યા આવેલી છે, જેમાં જમણી તરફ રેલવે સ્ટેશનમાં જઈ શકાય છે. નવું બનાવવામાં આવેલું સરદારગ્રામ રેલવે સ્ટેશન અત્યારે ધૂળ ખાધેલી પરિસ્થિતિમાં જોવા મળ્યું હતું. રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમને તાળું મારેલું છે અને બહારના ભાગે ત્રણથી ચાર ખાલી દારૂની અને બેથી ત્રણ બિયરની બોટલો જોવા મળી હતી. આ દૃશ્યો સાબીત કરે છે કે, અહીં રાત્રિના દારૂની મહેફિલ થાય છે. પ્રજાના પૈસે દારૂડિયાઓ માટે અડ્ડો બન્યો હોય તેવો ઘાટ ઘડાયો એક જગ્યાએ તો બિયરની કાચની ખાલી બોટલ પણ ત્યાં મૂકી દેવામાં આવેલી હતી. આ સાથે રેલવે સ્ટેશન પરિસરમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી છે, જેથી અહીં સફાઈ કરવામાં ન આવતી હોવાના પણ દૃશ્યો જોવા મળ્યા હતા. પ્રજાના પૈસે ખર્ચ કરીને નવું સરદાર ગ્રામ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે, પરંતુ આ રેલવે સ્ટેશન સરદારનગર નજીક દારૂડીયાઓ માટેનું અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. છારાનગરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છેઃ સુત્રો સરદારગ્રામ રેલવે સ્ટેશન સરદારનગરના છારાનગરથી માત્ર 100 મીટર દૂર આવેલું છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, સરદારનગર વિસ્તારના છારાનગરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય છે. અમદાવાદમાં દારૂ અને બીયરના વેચાણ માટે સરદારનગર ખૂબ જ જાણીતી જગ્યા છે. તાજેતરમાં જ નરોડા વિસ્તારમાં દારૂ અને બિયરની બોટલો રોડ ઉપર જોવા મળી હોવાના દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતાં. જે દારૂ સરદારનગર વિસ્તારમાં લઈ જવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે નરોડા અને સરદારનગર જેવા વિસ્તારોમાં દારૂનું વેચાણ થતું હોવાથી જ રેલવે સ્ટેશન જેવા પરિસર દારૂડિયાઓ માટે અડ્ડો બની ગયા છે. રાત્રિના અંધારામાં લોકો દારૂ પીવે છેઃ સ્થાનિક સ્થાનિક લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રેલવે સ્ટેશનથી 100 મીટર આગળ પાછળ દેશી દારૂ અને વિદેશી દારૂનું વેચાણ થાય છે. કેટલાક લોકો નજીકમાંથી દારૂ લાવીને આજ રેલવે સ્ટેશનના પરિસરમાં બેસીને પીવે છે. રાત્રે કોઈપણ વ્યક્તિ આ રેલવે સ્ટેશનમાં અવરજવર કરતું હોય છે, ક્યાંય કોઈપણ સુરક્ષાકર્મી હોતા નથી. નજીકમાં જ દારૂ મળી જતો હોવાથી લોકો ત્યાંથી લઈ અને આ જગ્યામાં કોઈ રાત્રે અંધારામાં પીવા આવે છે. સામે પણ ખુલ્લેઆમ ઝાડીઓમાં જઈને દેશી દારૂ પીવા લાગે છે. રેલવે સ્ટેશન દારૂડિયાનો અડ્ડો બનતા રેલવે-પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉલ્લેખનીય છે કે, નવું બનાવવામાં આવેલું સરદારગ્રામ રેલવે સ્ટેશન નાગરિકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું નથી. રાજસ્થાનના ઉદયપુર અને હિંમતનગર તરફ જવા માટેની ટ્રેનો સરદારગ્રામ રેલવે સ્ટેશન થઈને જતી હોય છે, ત્યારે આ રેલવે સ્ટેશન તાજેતરમાં જ નવું બનાવવામાં આવ્યું છે. પરંતુ સરદારનગર વિસ્તારમાં આ રેલવે સ્ટેશન દારૂડિયાઓનો અડ્ડો બની ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી છે. ત્યારે સ્થાનિક સરદારનગર પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. રેલવે સ્ટેશનથી એકદમ નજીક જ્યારે દારૂનું વેચાણ થતું હોય ત્યારે પોલીસની આ વિસ્તારમાં સદંતર નિષ્ક્રિયતા હોવાના કારણે નવું બનેલું રેલવે સ્ટેશન જો દારૂડિયાઓનો અડ્ડો બની ગયું તો મુસાફરો માટે પણ આ જોખમ બની શકે તેમ છે. બહારથી દારૂ લાવી લોકો પીતા હોય તેવું બની શકેઃ RPF આ મામલે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના PRO અજય સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરદારગ્રામનું રેલવે સ્ટેશન બનાવવામાં આવેલું છે, જે હાલ બંધ હાલતમાં છે. ત્યાં લોકો દારૂ પીવે છે તે અંગે તપાસ કરાવી લેશું. તો વધુમાં RPF અમદાવાદના અધિકારીએ જણાવ્યું હતું કે, ત્યાં સિક્યુરિટી રાખવામાં હોય છે, પરંતુ સ્થાનિક પોલીસની પણ જવાબદારી છે. બહારથી દારૂ લાવીને ત્યાં લોકો પીતા હોય તેવું બની શકે, પરંતુ સિક્યુરિટી ત્યાં રાખીશું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0