કોડીનારના વલાદરમાં 50 વર્ષીય મહિલા પર દીપડાનો હુમલો:યુવકે બચાવ્યો જીવ, ગ્રામજનોમાં ભય અને રોષ; વનવિભાગ પાસે કાયમી અને કડક કાર્યવાહીની માંગ

Dec 7, 2025 - 10:53
 0  0
કોડીનારના વલાદરમાં 50 વર્ષીય મહિલા પર દીપડાનો હુમલો:યુવકે બચાવ્યો જીવ, ગ્રામજનોમાં ભય અને રોષ; વનવિભાગ પાસે કાયમી અને કડક કાર્યવાહીની માંગ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે ગઈ સાંજે દીપડાના હિંસક હુમલાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. શનિવાર ની સાંજે અંદાજે 6:30 વાગ્યાના અરસામાં સંબંધીના ઘરે જઈ પરત ફરતી વખતે 50 વર્ષીય રસીદાબેન પર જાહેર માર્ગ પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં રસીદાબેનને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે આસપાસ દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક કોડીનારની રાનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. યુવકની સતર્કતાથી બચ્યો જીવ ઘટનાના પ્રત્યક્ષદર્શી યુવક હરસુખએ જણાવ્યું હતું કે, "હું કોડીનારથી વલાદર તરફ બાઈક પર જઈ રહ્યો હતો. એ દરમિયાન મારા આગળ જઈ રહેલા રસીદાબેન પર રસ્તાની બાજુમાંથી અચાનક વંડી ઠેકીને દીપડો ત્રાટક્યો. મેં તરત જ જોરથી દેકારો કરતાં દીપડો મહિલા ને છોડીને નાસી ગયો, જેથી રસીદાબેનનો જીવ બચી ગયો." ગ્રામજનોમાં ભય સાથે રોષ જંગલ સીમાને અડીને આવેલા વલાદર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડા જેવા હિંસક પ્રાણીઓના હુમલાની ઘટનાઓ વધતી જતા ગ્રામજનોમાં ભય સાથે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગામના રહીશ નૂર મમદભાઈએ જણાવ્યું હતું કે, "વારંવાર દીપડાના હુમલાની ઘટનાઓ બને છે. પશુઓના રક્ષણ માટે લાકડી રાખીએ તો વન વિભાગ કાર્યવાહી કરે છે. હવે આવા હિંસક પ્રાણીઓ માનવ જીવ પર હુમલો કરે ત્યારે અમારે શું કરવું?" વન વિભાગની ટીમ ઘટના સ્થળે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક વલાદર ગામે પહોંચી હતી. ગ્રામજનોએ હુમલાખોર દીપડાને ત્વરિત પાંજરે પૂરવા અને સમગ્ર વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવા માંગ ઉઠાવી છે. દીપડાના સતત વધતા હુમલાઓને લઈ ગ્રામ્ય પ્રજામાં ભયની લાગણી વધુ ઘેરાઈ રહી છે ત્યારે વન વિભાગ દ્વારા કાયમી અને કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0